Amruta

Amruta, a novel is one of the earlier works of Raghuveer. In Amruta, The author explores functional aspect of human life. Amruta is the story of Amruta and two men in her life. It races human nature, bonds and ideologies using these 3 characers and their conversation.
Download: epub
Agented by Ekatra Foundation
Words: 111,120
Language: Gujarati
ISBN: 9781301194544

Also by This Publisher

Reviews

Review by: Sanjay Chaudhary on Aug. 26, 2013 : (no rating)
રઘુવીર ચૌધરીની પાત્રપ્રધાન કીર્તિદા નવલકથા 'અમૃતા' વાચકો માટે રઘુવીર ચૌધરીની ઓળખ જેવી બની રહી છે. અમૃતા વર્ષ 1965માં પ્રગટ થઈ ત્યારે વિવેચકોએ તેને એક અપૂર્વ સાહિત્ય ઘટના તરીકે ઓળખાવેલી. હજી આજ સુધી અમૃતા વાચકો અને વિવેચકોના મનમાં ટકી રહી છે અને તેની દસ આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે.
સ્ત્રીપુરુષના પ્રેમસંબંધમાં સ્વાતંત્ર્યને લગતા પ્રશ્નોનું નિરૂપણ કરતી આ કથા છે. એમાં ત્રણ પાત્રો છે : બે પુરુષ અને એક સ્ત્રી - ઉદયન, અમૃતા અને અનિકેત. તેમને વિભિન્ન પરિસ્થિતિમાં મૂકીને તેમની અરસપરસ ક્રિયા-પ્રતિક્રિયા કે ભાવ-પ્રતિભાવ રૂપે જ કૃતિ વિકસે છે. ત્રણે પાત્રો ઉચ્ચ-કોટિની બુદ્ધિમત્તા ધરાવે છે, પરંતુ એમનાં દૃષ્ટિબિન્દુ ભિન્ન છે; એટલું જ નહીં, જીવન પ્રત્યેના વિશિષ્ટ અભિગ્રહો પણ છે, જે તેમની વચ્ચે સૂક્ષ્મ સંઘર્ષ પ્રેરી તેમના સંબંધોમાં સંકુલતા લાવે છે. અમૃતાની વરણી એનું નિમિત્ત બને છે. પરંતુ એ ત્રણેય પાત્રો સ્વાભિમાન, સ્વતંત્ર વ્યક્તિત્વ અને આત્મનિર્ણયનો પુરસ્કાર કરનારાં હોઈ આ સંઘર્ષ સ્થૂળ થવાને બદલે સૂક્ષ્મ થતો ગયો છે. એ રીતે ચરિત્રોમાં આવતા મનોગત વળાંકો અને તેમનો વિકાસ કથાને રસપ્રદ બનાવે છે. કથાના આરંભે તેમના વાર્તાલાપોમાં વ્યક્ત થયેલાં તેમનાં દૃષ્ટિબિન્દુ ઉત્તરોત્તર સંવેદનનું રૂપ પામતાં ગયાં છે અને એમાં તીવ્રતા સધાતી ગઈ છે. અંતે સધાતા દૃષ્ટિબિન્દુઓના સંવાદમાં લેખકની જીવનદૃષ્ટિનો સંકેત જોઈ શકાય; પરંતુ પ્રભાવ પડે છે, જિંદગીને પૂરી નિષ્ઠાથી જીવી ગયેલા ઉદયનના મૃત્યુથી સરજાતા અવકાશનો. ચેતનાપ્રવાહ, સ્મૃતિપ્રવાહ, સ્મૃતિ, સ્વપ્ન, પરાકલ્પન જેવી પ્રયુક્તિઓ અને સુબદ્ધ ગદ્ય, તેમ જ સ્થળ-કાળનાં પ્રમાણભૂત નિરૂપણો લેખકની સજ્જતાનો પરિચય આપે છે.
નાયિકા અમૃતા ડૉકટરેટ પામે છે, તે પ્રસંગે એને અભિનંદન આપવા એના બે મિત્રો ઉદયન અને અનિકેત એને ઘેર આવે છે, અને એ ત્રણે વાત કરતાં હોય છે, ત્યાંથી કથાનો આરંભ થાય છે. એ શરૂઆતના વાર્તાલાપમાં જ ત્રણે પાત્રોના સ્વભાવની વિભિન્નતાનો આપણને અણસાર મળી રહે છે. ઉદયન ચાલુ વર્તમાન કાળને જ માને છે. એને મન એ કદી પૂર્ણ થતો જ નથી. અને ભૂતમાં એને રસ નથી. જે મૃત છે તેની સાથે એને નિસ્બત નથી. એના વિશે અનિકેતે અને એણે પોતે વસિયતનામામાં સાચું જ કહ્યું છે કે, એ પોતાના સમયને, તેના અસંતોષને નિષ્ઠાપૂર્વક જીવ્યો છે. અનિકેત વ્યતીત અને ભવિષ્ય બંનેમાં માને છે. વર્તમાન એને મન ભ્રમ છે. માણસે વિગતને ટેકે અને અનાગતની પ્રતીક્ષામાં જીવવાનું હોય છે. માણસનાં બે ચરણ: એક સ્મૃતિમાં, બીજું શ્રદ્ધા વિશે. જ્યારે અમૃતા સમયનું વિભાજન કરતી નથી. એને મન એ શક્યા નથી. કારણ, સમય તો શાશ્વત છે.
અમૃતા, ઉદયન અને અનિકેત ત્રણે સ્વાતંત્ર્યવાદી છે. ઉદયન અમૃતાને મેળવવા ઈચ્છે છે, પણ તે પોતે સમજણી અને આત્મનિર્ભર થાય અને સ્વેચ્છાએ એનો સ્વીકાર કરે એવું ઇચ્છે છે. કારણ, એ માનતો હતો કે, `સમજથી નજીક આવેલાં સાથે રહી શકે. પ્રેમ તો આકસ્મિક કહેવાય. જે આકસ્મિક છે, જેના ઉપર મારું નિયંત્રણ નથી તેને પામવાથી શું"?'
અમૃતા પણ સ્વાતંત્ર્યને પોતાના જીવનનો પ્રણ સમજે છે. વારે વારે એ પોતાના સ્વાતંત્ર્યનો, પોતાના આત્મનિર્ણયના હક્કનો, પોતાની વરણીનો પ્રશ્ન ઊભો કરે છે. એના બે પુરુષો સાથેના નિકટ સંબંધ માટે એને ઠપકો આપતાં કુટુંબીજનોને લખેલા બીજા પત્રમાં એ કહે છે: `મારે સંપત્તિ નથી જોઈતી, સ્વતંત્રતા જોઈએ છે.'
અનિકેત પણ સ્વાતંત્ર્યવાદી છે, પણ આ બે કરતાં એનો ઝોક જરા જુદો છે. અનિકેત આફ્રિકામાં વેપાર કરતા શ્રીમંત પિતાનો પુત્ર છે. વિજ્ઞાનનો અભ્યાસી છે. આદર્શવાદી છે અને પોતે સ્વીકારેલા અધ્યાપનકાર્યને અનુરૂપ જીવન ગાળવા મથે છે. પિતાએ એને માટે ર્મસિડિસ કારનો ઑર્ડર નોંધાવી દીધો હતો પણ એણે ફોન ઉપર તરત જ ના પાડી દીધી હતી — `અધ્યાપક જેવા માણસને કાર ખપની નથી.' ઉદયને જ એનો અમૃતા સાથે બે વરસ પહેલાં પરિચય કરાવ્યો હતો. તે માને છે કે પ્રેમ પ્રાપ્ત થતો હોય છે, અભિલાષા જાગે માટે તે અંગે કશો પ્રયત્ન કરવાનો હોતો નથી...પ્રેમીને પ્રાપ્ત કર્યા વિના પણ પ્રેમ પ્રાપ્ત થઈ શકે.
ઉદયનની પ્રચંડ ગતિ અમૃતાને આકર્ષે છે, પણ એ ગતિ એને દિશાશૂન્ય લાગે છે; એના સંઘર્ષો સામે એને વાંધો નથી. પણ એ સંઘર્ષો એને લક્ષ્યહીન લાગે છે. એ બીજાની જે ઉપેક્ષા કરે છે તેની પાછળ એને અશ્રદ્ધા દેખાય છે. એની પડછે અનિકેતના હૃદયની ઉદારતા, નિરપેક્ષતા અને સામાના સ્વાતંત્ર્ય માટેનો આદર એને ગમે છે. ઉદયન સ્નેહને બદલે વિચારને જ મહત્વ આપે છે.
અનિકેત પણ અમૃતા પ્રત્યે આકર્ષાયેલો છે; પણ ઉદયન-અમૃતાના સંબંધમાં પોતે આડખીલીરૂપ છે એમ સમજી એ મુંબઈ છોડી રાજસ્થાનમાં રણને અંગે સંશોધન કરવા ચાલ્યો જાય છે. વિદાય પહેલાં એ અમૃતાને કહે છે: `અમૃતા હું તને ચાહું છું... પણ જાઉં છું. કેવળ અધ્યયન માટે નથી જતો. અહીંથી દૂર પણ જાઉં છું.' `જે ગુમાવવાનું છે તેનો અભાવ જીરવીને હું મારા મનને વાળવા મથીશ... હું ઉદયન ઉપર ઉપકાર કરવા ધારું છું એવું પણ નથી... આપણા પરસ્પર વિશેના ભાવ આગળ વધીને સ્થૂળ પ્રપ્તિની કામના કરે તો નવાઈ નહીં પરંતુ આ ક્ષણે મારો તમારા તરફનો જે ભાવ છે. તેમાં અભિલાષાને સ્થાન નથી... મને પ્રતીતિ છે કે ઉદયન તમને ચાહે છે બલ્કે વાંછે છે.' એની એવી ગણતરી હતી કે પોતે દૂર જતાં ઉદયન-અમૃતા વચ્ચેનું ફાચર દૂર થશે અને એ બે પરસ્પર નિકટ આવશે અને પોતે પણ અમૃતા વિશેના અભિલાષથી મુક્ત રહી શકશે. પણ આમાંની એકે ગણતરી સાચી ન પડી.
એક જગ્યાએ ઉદયન કહે છે: `આપણે પોતાના અસ્તિત્વને વફાદાર રહીએ તે જરૂરી છે.' ત્યારે અનિકેત કહે છે : `મારું લક્ષ્ય પણ વફાદારી છે. કેવળ પોતા તરફની નહિ, સમગ્ર તરફની.'
અમૃતાનું મન આ બે વચ્ચે ઝોલાં ખાય છે. એ નિર્ણય નથી કરી શકતી કે કોને વરવું"?
લેખકે આ કથાવસ્તુની જે રીતે માવજત કરી છે તે વિશિષ્ટ છે. ત્રણ પાત્રોના વિચારો દ્વારા લેખકે જીવન અને જગત વિષે જે મંથન રજૂ કર્યું છે અને એ મંથન દ્વારા એ પાત્રોનાં આંતરિક જીવનનું જે ચિત્ર રજૂ કર્યું છે તેને લીધે અમૃતા એક વિશિષ્ટ નવલકથા બની રહી છે. ગુજરાતી ભાષા-સાહિત્યની પ્રશિષ્ટ કૃતિઓની પરંપરામાં આધુનિક યુગની સમસ્યાઓ અવતરવાનું બીડું ઝડપી લેતી અમૃતાનું સ્થાન નિઃશંક છે.
અસ્તિત્વવાદ અને ભારતીય દર્શનોમાં સૂચિત અનાસક્તકર્મના સંઘર્ષની વિચારપ્રધાન નવલકથા. બુદ્ધિ પર પ્રેમના વિજયની આ કથાએ લેખકને નાની વયે ગુજરાતના ઉત્તમ સર્જકોમાં સ્થાન અપાવ્યું છે.
[નગીનદાસ પારેખ, ધીરેન્દ્ર મહેતા, દિપક મહેતા, રાધેશ્યામ શર્માના લેખ પરથી સંક્ષિપ્ત]
(review of free book)

Report this book